Observe the world through my lenses!

Saturday, 23 May 2020

'મોરેટોરિયમ' ની માયાજાળને સમજીએ.

'મોરેટોરિયમ' ની માયાજાળને સમજીએ.

કોવિડ19 મહામારીને લીધે લૉનધારકો ને હપ્તા ભરવામાં થતી મુશ્કેલીઓમાં આંશિક રાહત આપવા તાજેતરમાં RBI (ભારતીય રિઝર્વ બેંક) દ્વારા વધુ 3 મહિના માટે લોનધારકોને છુટછાટ આપી કુલ 6 મહિના 'મોરેટોરિયમ' આપવાની જાહેરાત કરાઈ. આ સંજોગોમાં આ સુવિધાને લગતી ગેરસમજ દૂર કરી લોકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થવાના હેતુથી આ પોસ્ટ લખી રહ્યો છું.

  • મોરેટોરિયમ એટલે શું?

મોરેટોરિયમ શબ્દ નો મૂળ અર્થ દેવા-મોકૂફી કહી શકાય. આ શબ્દ સાથે સમસ્યા એ છે કે એક બેંક કર્મચારી આ શબ્દ નો જે અર્થ સમજે છે એ મુજબ એનો અનુવાદ સ્થાનિક ભાષામાં થતો નથી. સામાન્ય લોકો એનું અર્થઘટન સ્થાનિક ભાષામાં મોકૂફી ને બદલે 'માફી' તરીકે કરી લે છે. અને આવું અર્થઘટન કદાચ તમને ખોટા નિર્ણય તરફ લઈ જઈ શકે છે.

જો તમારી પાસે નાણાં ની અછત હોય તો આ સુવિધા તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે કારણકે આ સમયગાળા દરમિયાન તમે લીધેલી લોનના હપ્તા ભરવામાંથી તમને છુટકારો આપવામાં આવે છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે કે આ છુટકારો તમને આ ચોક્કસ સમયગાળા (એટલે કે 6 માસ) પૂરતો જ આપવામાં આવે છે અને એ તમારા માટે 'ઋણ માફી' નથી. અને તેના કારણે તમારા દ્વારા લૉન લેવામાં આવેલ કુલ મૂડીમાં કોઈ ઘટાડો થતો નથી કે આ સમયગાળા દરમિયાન બેંક દ્વારા લેવામાં આવતા વ્યાજ પર કોઈ છૂટછાટ મળશે નહીં.
જો તમારી પાસે નાણાંની સગવડ હોય અથવા તો તમારી લૉન પૂર્ણ થવામાં હજી ઘણા વર્ષો બાકી હોય (જેમ કે લાંબા ગાળાની હોમ લૉન - 15 કે 20 વર્ષ) તો તમારા માટે આ સુવિધાનો લાભ ન લેવો વધુ હિતાવહ રહેશે.

  • ચાલો ઉદાહરણ દ્વારા આ વાતને ઊંડાણપૂર્વક સમજીએ.

ઉદાહરણ તરીકે તમે 20 લાખ રૂપિયાની લૉન 20 વર્ષ માટે 9% ના વ્યાજદર પર લીધેલ હોય તો એમાં મહિનાનો હપ્તો (EMI) લગભગ 18,000 રૂપિયા જેવો થાય.

EMI Calculation on EMI Calculator


હવે ધારો કે તમારે લૉન લીધાને 5 વર્ષ થઈ ગયા છે એવું માનવામાં આવે (એટલે કે 60 હપ્તા પૂર્ણ થઈ ગયા છે) અને હજુ પણ 15 વર્ષ (180 હપ્તા) બાકી છે એવું માનીએ તો બેંક દ્વારા તમારી પાસે લેવાનું કુલ લેણું લગભગ 17 લાખ 74 હજાર જેવું થાય.
(જો આ ગણતરી ન સમજાય તો વધુ સમજવા માટે નીચેની ઇમેજ જોઈ શકો છો. જો તમે ચક્રવ્રુધ્ધિ વ્યાજની ગણતરી થી પરિચિત ન હોવ તો કદાચ તમને આ આંકડો જોઈ આશ્ચ્રર્ય થશે પરંતુ તમારી જાણ ખાતર સ્પષ્ટતા કરી દઉં કે  ચક્રવ્રુધ્ધિ વ્યાજની કોઈ પણ લોન માં તમારા શરૂઆતના હપ્તામાંથી મોટો ભાગ વ્યાજ માટે અને વધેલો નાનો ભાગ મુદ્દલ ની ચુકવણી માટે જાય છે. લોન પૂર્ણ થવાનો સમય જેમ નજીક આવતો જાય તેમ વ્યાજ તરીકે જતો ભાગ ઉત્તરોત્તર ઘટતો જાય છે અને મૂળ મુદ્દલ તરફનું ચુકવણું વધતું જાય છે. )

Loan Repayment Schedule in detail


ધારો કે તમે હવે આ મોરેટોરિયમ સુવિધા નો 3 મહિના માટે ઉપયોગ કરવા બેંક માં સંમતિ આપો છો. તો તમને 18,000 x 3 = 54,000 રૂપિયા લૉન ભરવાના સમયગાળા માં રાહત મળશે.

મોરેટોરિય સુવિધા માં સામાન્ય રીતે બે વિકલ્પ હોય છે,
  1. હપ્તાની રકમ અચળ રાખી લોનના કુલ સમયગાળામાં વધારો કરવો. (ઉદાહરણ: હપ્તાની રકમ 18,000 જ રાખો તો લૉન 180 ના બદલે 189 મહિના સુધી ભરવી પડશે) 
  2. લોનના સમયગાળાને અચળ રાખી હપ્તાની રકમમાં વધારો કરવો. (લૉનનો સમયગાળો 180 મહિના જ રાખો તો હપ્તાની રકમ 400 રૂપિયા વધી 18,000 ને બદલે 18,400)
  • જો તમે પ્રથમ વિકલ્પ પસંદ કરો તો મોરેટોરિયમ ના ઉપયોગ બદલ તમારો લૉન નો કુલ સમયગાળો વધીને 249 મહિના (9 મહિના વધુ) થઈ જશે. જે સંજોગોમાં તમારે બાકી રહેલા સમયગાળા (189 મહિના) માટે કુલ 9 X 18000 = 1,62,000 વધુ ચૂકવવાના થશે.
  • જો તમે દ્વિતીય વિકલ્પ પસંદ કરો તો મોરેટોરિયમ ના ઉપયોગ બદલ તમારો લૉન નો હપ્તો વધીને લગભગ 18,400 (400 રૂપિયા વધુ) થઈ જશે. જે સંજોગોમાં તમારે બાકી રહેલા સમયગાળા (180 મહિના) માટે કુલ 400 X 180 = 72,000 વધુ ચૂકવવાના થશે.

તારણ:

સામાન્ય રીતે લોનધારકો આ સ્થિતિમાં પોતાના બજેટને ખોરવાતું અટકાવવા હપ્તાની રકમ અચળ રાખવાનો વિકલ્પ જ પસંદ કરશે. જે સંજોગોમાં તેઓ 1,62,000 જેવી મોટી રકમ વધારે આપવા મજબૂર બનશે. આ સ્થિતિમાં જો તમારે આત્યંતિક જરૂરિયાત ન હોય તો આ સુવિધા લેવાનું ટાળવું એ લાંબા ગાળા માટે તમારા માટે હિતાવહ રહેશે. પરંતુ જો તમે લોનના હપ્તાની ચુકવણી કરવા અસમર્થ હો તો ચોક્કસપણે આ સુવિધાનો લાભ લઇ શકો છો જેથી કરીને તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ ખરાબ અસર ન થાય અને તમે ભવિષ્યમાં પણ લૉન સરળતાથી મેળવી શકો.

ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત જાહેર ક્ષેત્રની બેંક SBI (ભારતીય સ્ટેટ બેંક) ના ભૂતપૂર્વ કર્મચારી તેમજ અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે એક સલાહ જરૂર આપીશ.
ચક્રવૃદ્ધિ વ્યાજ ને શત્રુ બનાવવાની ભૂલ એ 'નાણાકીય કોરોના વાયરસ' છે એમ માની એનાથી 'સામાજિક અંતર' જાળવી શક્ય હોય એટલા છેટા જ રહેજો.
 આ સંદર્ભે તમારા કોઈ સવાલ હોય તો મને ચોક્કસ જણાવજો.

No comments:

Post a Comment

Thank you for your valuable feedback/comment.