ઓનલાઈન શિક્ષણ ની આંટીઘૂંટી.
મારો ભત્રીજો 4.5 વર્ષનો છે અને હું એક જવાબદાર વાલી તરીકે તેને અત્યારથી ઓનલાઈન શાળા ની માયા માં આખો દિવસ એકલો ભટકતો નહિ મુકું. આજે જ નહિ, કદાચ સમગ્ર પ્રાથમિક શિક્ષણ દરમિયાન એને 'માત્ર' ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા નો ભાગ બનવા નહિ દઉં.
લોકડાઉન શરૂ થયું ત્યારથી તેની શાળામાંથી મેસેજ આવ્યા કરે છે. "આવતા વર્ષનું એડમિશન કન્ફર્મ કરવા 1000 રૂપિયા ભરો."
આવા સંજોગોમાં આ મેસેજને ઇગ્નોર કરતા રહ્યાં એટલે હવે શાળાએ નવો તુક્કો લગાવ્યો છે. "1 જૂનથી ઓનલાઈન શિક્ષણ ચાલુ થવાનું છે, સત્વરે એડમીશન લઈ લો" આવા મેસેજ સાથે પોતાના બેંક એકાઉન્ટ ની ડિટેઇલ આપી દીધી અને ડેટા એન્ટ્રી માટે એક ઓનલાઈન ફોર્મ ની લિંક આપી દીધી.
કદાચ તમારી સામે પણ હાલ આવી પરિસ્થિતિ આવીને ઉભી હશે.
અત્યારે જ્યારે બાળકો શીક્ષણ સિવાય પણ મોટા ભાગનો સમય સ્માર્ટફોન અને કમ્પ્યૂટર ની સ્ક્રીન સામે જ પસાર કરતા હોય છે એવામાં આ પગલું શું યોગ્ય છે?
યાદ કરો એ દિવસો જ્યારે તમે પ્રથમ વખત શાળાએ ગયા હતા. કેવું અઘરું હતું એ સમયે શાળામાં અમુક કલાકો પૂરતું બેસવું, કેવું અઘરું હતું એ સમયે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. અરે વેકેશન ની વાત તો છોડો, જો ચાર પાંચ દિવસ સળંગ રજાઓ આવી જતી તો પછી ફરીથી શાળાએ જવું અઘરું લાગતું. એક બાળક તરીકે તમારા મન માં કેટલાય પ્રશ્નો હોતા, કેટલું બધું કહેવા-પૂછવા જેવું હોતું. કોઈ દિવસ હોમવર્ક ન કર્યું હોય ત્યારે શાળાએ જતા કદાચ ડર પણ લાગ્યો હશે. અત્યારે સામાન્ય કે ક્ષુલ્લક લાગતી આ બધી સમસ્યાઓ વિશે એક બાળક તરીકે વિચાર કરો તો લાગશે કે એ સમયે કદાચ આ સમસ્યાઓ જ સૌથી મોટી લાગતી હતી.
આ બધી સમસ્યાઓ નો સામનો કરવામાં શાળાનું હુંફાળું વાતાવરણ અને શિક્ષકોનો પ્રેમ એ મહત્વના પરિબળો હતા. કેટલાંય શિક્ષકો સાથે તો કદાચ તમારે ઘરોબો હશે. તમારા વાલી સતત એમના સંપર્કમાં રહેતા હોય એવું પણ બન્યું હશે. ઘણા શિક્ષકો સાથે સારા નરસા પ્રસંગો માં એકબીજાને ઘરે જવાના વ્યવહાર પણ હશે. કેટલાક શિક્ષકો તમને પોતાના પરિવાર જેવા તો કેટલાક માત્ર જાણીતા લાગતા હશે.
શું આ બધું ઓનલાઈન શિક્ષણ માં શકય છે?
બાળકના વિકાસ માટે શરૂઆતમાં (પ્રાથમિક શિક્ષણમાં) માત્ર 'માહિતી' યુક્ત શિક્ષણ કરતા 'મમતા/હૂંફ/પ્રેમ' એ વધુ જરુરી છે. જેમ જેમ બાળક મોટું થતું જાય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધે તેમ તેમ માહિતી નું મહત્વ ઉત્તરોત્તર વધતું જાય છે અને મમતા/હૂંફ/પ્રેમ વગેરે નું મહત્વ ઘટતું જાય છે. આ રીતે જ સપ્રમાણ શિક્ષણ દ્વારા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.
શું તમે એ બાળકનું બાળપણ છીનવી લેવા માગો છો?
શુ તમે એ બાળકને બાળક મટી એક રોબોટ બનાવી દેવા માંગો છો?
જો ઉપરના પ્રશ્નો નો જવાબ ના હોય તો આ વિષય માં કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિચાર ચોક્ક્સ કરજો.
જો ઘરમાં નવું ફ્રીજ, ટીવી કે નવો મોબાઈલ લેતા પહેલા કેટલુંય વિચારતા હોવ તો આ તો તમારું બાળક છે. એના જીવનને અસર કરતા મહત્વનાં નિર્ણયો લેવામાં તો ચોક્કસ ઊંડો વિચાર કરજો.
No comments:
Post a Comment
Thank you for your valuable feedback/comment.